ગોપી તો રોમ રોમ થઈ ગઈ ચકચૂર
શ્યામ તારી બંસરીના સાંભળીને સૂર
બે કાંઠે વહેતી આ યમુનામાં ગોપીને સંભળાતો કાનાનો સાદ
ભાનસાન ભૂલીને દોડી આવે એના અંતરમાં મોરલીનો નાદ
ધસમસતી યમુનાની સંગ સંગ ગોપીના હૈયામાં ઉમટતું પુર
શ્યામ તારી બંસરીના સાંભળીને સૂર
યમુનાને કાંઠે કદમ્બ કેરી ડાળીએ મનમોહન મોરલી વગાડે
વાંસળીના મધુરા બોલ થકી શામળિયો સ્નેહ તણી ચેતના જગાડે
વનવગડે ખીલેલા ફૂલડાઓ આજકાલ કેવા મ્હોર્યા છે ભરપૂર
શ્યામ તારી બાંસરીના સાંભળીને સૂર
બાંસરીની ગોપીને ઈર્ષા નું કારણ એ પ્રીતમથી પળભર ના અળગી
માવાના મુખે એ સોહે સોહામણી તો ગોપી અંતરમનથી સળગી
હિલ્લોળા લેતા આ હેત થકી ગોપી તો વ્હાલમને મળવા આતુર
શ્યામ તારી બાંસરીના સાંભળીને સૂર
ગોપી તો રોમ રોમ થઈ ગઈ ચકચૂર
શ્યામ તારી બંસરીના સાંભળીને સૂર
-દિનેશ પરમાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો