શનિવાર, 25 નવેમ્બર, 2023

પાનખર

આંબા નીચે બેઠેલો હરિયો
વિચારોના ચકડોળે ચડ્યો
એ હેતાને પરણીને આવ્યો 
ત્યારે ફળિયામાં પોતાની સાથે સાથે 
આ આંબો પણ 
કેવો મહેક મહેક થતો હતો...
આ જ આંબા નીચે 
હેતાએ એને પેટ પર હાથ મૂકી 
ખુશખબર આપ્યા'તા ત્યારે
આંબે પણ કેવી માંજરીયો મ્હોરી ઉઠી'તી
થોડા દિવસોમાં
આંબે નાનકડી કેરીઓ ઝૂલતી થઈ...
હેતા પણ લૂમે ઝૂમે હતી...
અને ત્યાં જ...
પીળું પડી ગયેલું આંબાનું પાન 
હરિયાના ખોળામાં પડ્યું.
હરિયો તંદ્રામાંથી સફાળો જાગ્યો...
એની નજર 
ઘરની દીવાલ પર ટીંગાડેલા 
હેતાના ફોટા પર પડી...
પાનખર આવી ગઈ
આંબા પર અને એના જીવનમાં પણ...

વિદાયગીત

 શાળા છોડીને ભાઈઓ હાલીયા રે....

શાળા છોડીને બહેનો હાલીયા રે.....

            રોતી મેલી છે આ નિશાળ જો.....

                           શાળા છોડીને.....

રોતા મેલ્યા છે નાના સાથીઓ રે...

ગુરુજીની આંખો થઈ ભીની જો

                      શાળા છોડીને.....

હાઈસ્કૂલના તેડા આવિયા રે...

પારકી બનાવી આ નિશાળ જો

                      શાળા છોડીને.....

તમારા વિના આ સુના ઝાડવા રે

સૂના થઈ જાશે આ મેદાન જો

                     શાળા છોડીને.....

બીજું શું કહીએ મારા ભાઈઓ રે

બીજું શું કહીયે મારા બેનીઓ રે

કાળજાના કટકા થઈ જાય જો

                    શાળા છોડીને.....

કોના સહારે અમને છોડીયા રે

નહિ મળે આવો રૂડો સાથ જો

                    શાળા છોડીને.....

ચાંદામામા

 ચાંદામામા ચાંદામામા ચાંદામામા રે

કેમ તમે ઊંચે આકાશે નાખ્યા ધામા રે

 

ચાંદામામા નીચે આવો મારી સાથે રમવા ચાલો

બાગ-બગીચે નદીકિનારે દરિયાકાંઠે ભમવા ચાલો

ધીંગામસ્તી મોજ કરીશું વનવગડામાં રે...

ચાંદામામા ચાંદામામા ચાંદામામા રે...

 

ચાંદામામા ચાંદામામા ચાંદામામા રે

કેમ તમે ઊંચે આકાશે નાખ્યા ધામા રે ?

 

વ્હાલા મામા જલ્દી આવો રંગ રંગ વાદળિયા લાવો

રંગ રંગ વાદળિયા સાથે ટમટમતા તારલિયા લાવો

તારલિયાની સંગે નાચું આંગણિયામાં રે

ચાંદામામા ચાંદામામા ચાંદામામા રે...

 

ચાંદામામા ચાંદામામા ચાંદામામા રે

કેમ તમે ઊંચે આકાશે નાખ્યા ધામા રે ?

ટીન્કુબેન

 ચકલીનું એક બચ્યું નાનું ટીન્કુ એનું નામ

ધમાચકડી ધીંગામસ્તી એ બસ એનું કામ

 

એક દિવસ આ ટીન્કુબેને જીદ ઉડવાની કીધી

હેતથી મમ્મીએ એને ખોળામાં લઇ લીધી

 

મમ્મી બોલી બેટા ટીન્કુ તું હજી છે નાની

મોટા થઈને ઉડવાનું આખી દુનિયા જોવાની

 

ટીન્કુબેન કંઈ મમ્મીની આ વાત ઓછા માને ?

ના હોય મમ્મી ત્યારે ઉડતા શીખે છાને છાને

 

એક સવારે ટીન્કુબેન તો ડાળી ઉપર બેઠા

ઉડવાની જ્યાં કોશિશ કિધી ત્યાં તો આવ્યા હેઠા

 

આ જોયું ને કિંજલબેને લેસન પડતું મુક્યું

ચકલીના બચ્ચાને લઇને માળામાં જઈ મુક્યું

ચાંદલિયો

 મારી સાથે રમવાને આવ, ચાંદલિયા...!

 ચાંદનીને સંગાથે લાવ ચાંદલિયા...!


સંધ્યા રાણી તો અંધારા લાવ્યા

 ધરતીને તું ચમકા, ચાંદલિયા...!


 સાથે મળીને સૌ સંગાથે રમીશું

 અમે દોડીશું તું દેજે દાવ, ચાંદલિયા...!

 

આપણે તો દરિયાની સફરે રે જાશું

તું જોજે હું હંકારું નાવ, ચાંદલિયા...!


 મારી સાથે રમવા જો તું નહીં વે

 સૂરજદાદાને કરું રાવ, ચાંદલિયા...!

નાનેરા બાળ

 ધીંગામસ્તી કરતા રે ! નાનેરા બાળ

 બાગ બગીચે ફરતા રે ! નાનેરા બાળ


 નદી તળાવે તરતા રે ! નાનેરા બાળ

 ધ્યાન પ્રભુનું તરતા રે ! નાનેરા બાળ


 મોટેરાને ગમતા રે ! નાનેરા બાળ

 સંતાકુકડી રમતા રે ! નાનેરા બાળ


 રોજ નિશાળે જાતા રે ! નાનેરા બાળ

ગીત મથુરા ગાતા રે ! નાનેરા બાળ


છોડને પાણી પાતા રે ! નાનેરા બાળ

 વ્હાલા સૌને થતા રે ! નાનેરા બાળ

દરિયો

 દરિયો રે દરિયો

 મને ગમે દરિયો


 દરિયા વચ્ચે હોડી

 સરરર કરતી છોડી


 હોડીમાં બેઠો છું હું

 એમાં તે કહેવાનું શું ?


 મારી સાથે ઢીંગલી

 આંખો એની પીંગળી


 ઢીંગલી તો ગીતો ગાય

 મારી સામે જોતી જાય


 ત્યાં તો સવાર થઈ ગયું

 સપનું મારું સરી ગયું