ઓ રે સાંજ સલૂણી તારા રંગો શું વખાણું...!
મનમોહક સંધ્યા ટાણું...!
ઢળતી સાંજે પોરો ખાવા પંખી બેઠા મોભેથાક ભર્યો છે પાંખોમાં પણ તોયે કેવા શોભે
ચિંતા બીજી શુ કરવાની, મળ્યું આજનું ખાણું
મનમોહક સંધ્યા ટાણું...!
પાને પાને બેઠા પંખી, કલરવ કાને ગુંજે
દૂર દૂરથી સાથ પુરાવે કોયલ કેવી કુંજે
આછા અજવાળે આ તમરા ગાતા લયમાં ગાણું
મનમોહક સંધ્યા ટાણું...!
સાંજ ઢળેને રામ દુવારે રણઝણ ઝાલર વાગે
ઉતાવળે કેસરિયો સૂરજ આથમણી પા ભાગે
નત મસ્તક થઈ વંદુ ઇશને, મહિમા અપાર જાણું...!
મનમોહક સંધ્યા ટાણું...!
બાપુ ગોતે શેરીમાં ને હું પાદરમાં પુગ્યો
મારી સંગાથે રમવા નભમાં ચાંદલિયો ઉગ્યો
સાદ કરે છે સૌની સાથે વાળુ કરવા ભાણું
મનમોહક સંધ્યા ટાણું...!
-દિનેશ પરમાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો