ગુરુવાર, 23 નવેમ્બર, 2023

સાયબાના રંગોમાં એવી ગુલતાન

હું તો ભૂલી ગઈ ભાન અને સાન
સાયબાના રંગોમાં એવી ગુલતાન

ખેતર વચાળ એક કેસુડો ઉભો ને લાલઘૂમ લહેરાતો ફોરે,
નજરું નાખો તો એવું લાગે કે નફ્ફટ આ ફાટ ફાટ થાય કોના જોરે ?
હુંય લહેરાતી જાઉં પાન પાન
સાયબાના રંગોમાં એવી ગુલતાન

કેસુડો મ્હોરેને ભમરા પતંગિયા ગાય એના મધમીઠા ગીત
ડાળે બેઠેલ ઓલ્યો પોપટોય એનાથી બાંધી બેઠો છાની પ્રીત
હું ય ગાઉ મારા વાલમના ગાન
સાયબાના રંગોમાં એવી ગુલતાન

સોળે કળાએ ફૂલ ખીલ્યા કેસૂડાના જોઈને સીમ આખી મલકે
મંદ મંદ વાયરામાં મઘમઘતી ફોરમથી હૈયું પનિહારીનું છલકે
હું ય જાણે કેસૂડાનું પાન
સાયબાના રંગોમાં એવી ગુલતાન

                                         -દિનેશ પરમાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો