શનિવાર, 23 સપ્ટેમ્બર, 2023

કેવી ચાહત માધા તારી

મીરાના મનનો તું મોહન, મનમોહિની રાધા તારી,
ગોપીના મનનો માણીગર, કેવી ચાહત માધા તારી.

મીરાના એકતારે ગુંજે માધવ તારું નામ મધુરું,
રાધા કહેતી તારા વિના જીવન મારુ શ્યામ અધૂરું,
ગોપીને તો કાના વિના યમુના ખારી ખારી.....
કેવી ચાહત માધા તારી.

વિજોગણ બનીને મીરા, ગલી ગલી ગિરધર ગુણ ગાતી,
નંદકુંવરનું સપનું આવે ને રાધા હરખાઈ જાતી,
બંસીધરની મુરત જોતી ગોપી ધારી ધારી.....
કેવી ચાહત માધા તારી.

મીરાએ ગાયેલા ગીતો લઈને પેલા વાયરાઓ વાય કુંજે કુંજે,
રાધાના શ્વાસમા હૈયે ઉલ્લાસમાં કાનાના પડઘાઓ ગુંજે,
વાટ જુએ ગોકુળમાં ગોપી મનને મારી મારી.....
કેવી ચાહત માધા તારી.

                                       .  -દિનેશ પરમાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો